5
સુલેમાન:
1 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું આવ્યો છું મારા બાગમાં;
મેં એકઠાં કર્યાં છે મારા બોળને સુગંધી દ્રવ્યો;
ને મેં ખાધું છે મધ મારાં મધપૂડામાંથી;
મેં પીધો છે મારો દ્રાક્ષારસ મેં મારા દૂધની સાથે;
સ્ત્રીઓ: સ્ત્રીના શબ્દો તેના પ્રેમીઓને:
હે મિત્રો, ખાઓ; હે વ્હાલાઓ, પીઓ;
હા પુષ્કળ પીઓ.
કન્યા:
2 હું સૂતી હોઉં છું પણ મારું હૃદય જાગૃત હોય છે.
એ મારા પ્રીતમનો સાદ છે!
તે ખટખટાવે છે દરવાજો ને કહે છે કે,
“મારી પ્રાણપ્રિયા, મારી વ્હાલી* મારી વ્હાલી શાબ્દિક રીતે “મારી બહેન.” મારી (ક્ષતિહીન) સંપૂર્ણ,
મારી સુંવાળી સ્ત્રી, મારે માટે બારણું ખોલ;
મારા વાળ રાત્રીના ઝાકળથી ભરેલા છે,
તેથી મારું માથું ઝાકળથી ભીજાઇ ગયું છે!”
3 “મે મારું વસ્ત્ર કાઢયું છે;
તે હું કેવી રીતે ફરી પહેરું?
મેં મારા ચરણ ધોયા છે;
હું તેમને શા માટે મેલા કરું?”
4 મારા પ્રીતમે કાણામાંથી તેનો હાથ અંદર નાખ્યો
અને મારા મનમાં તેના પર દયા આવી.
5 હું બારણું ખોલવા કૂદી પડી
અને સાંકળ ખોલવા ગઇ
ત્યારે મારા હાથમાંથી અત્તર
અને મારી આંગળીઓમાંથી બોળ ટપકવા લાગ્યું.
6 મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું;
પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો;
તે બોલ્યો તે સમયે મારું
મન નાહિમ્મત થઇ ગયું હતું;
મેં તેને શોધ્યો,
પણ મને જડ્યો નહિ.
મે તેને બોલાવ્યો,
પણ તેણે મને કઇં ઉત્તર આપ્યો નહિ.
7 નગરની ચોકી કરતાં ચોકીદારોએ મને જોઇ;
તેમણે મને મારી
અને ઘાયલ કરી,
નગરની દીવાલ પાસે ફરજ બજાવતાં
ચોકીદારે મારો ઘુમટો ચીરી નાખ્યો.
8 હે યરૂશાલેમની કન્યાઓ; હું તમને સમ દઉ છું કે,
જો તમને મારો પ્રીતમ મળે,
તો તેને કહેજો કે હું પ્રેમની બિમારીથી પીડિત છું.
યરૂશાલેમની સ્ત્રીનો જવાબ કન્યાને:
9 ઓ સ્ત્રીઓમાં શ્રે સુંદરી,
અમને કહે કે,
તારા પ્રીતમમાં બીજાના કરતાં એવું શું છે કે,
તું અમને આવી આજ્ઞા કરે છે?
કન્યાનો જવાબ યરૂશાલેમની સ્ત્રીને:
10 મારો પ્રીતમ ઉજળો મનોહર બદામી રંગનો છે,
અને ફૂટડો છે, દશહજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે!
11 તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે,
તેની લટો લહેરાતી અને કાગડાના રંગ જેવી કાળી છે.
12 તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે;
તે દૂધમાં ધોયેલી
તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
13 તેના ગાલ સુગંધી દ્રવ્ય તેજાના ઢગલા જેવા,
તથા મધુર સુગંધવાળા ફૂલો જેવા છે;
જેમાંથી કસ્તૂરી ઝરતી હોય
ગુલછડીઓ જેવા તેના હોઠ છે!
14 તેના હાથ સોનાની વીંટીઓ જે
કિંમતી પથ્થરોથી જડવામાં આવી છે.
તેનું શરીર નીલમ જડિત
સફેદ હાથીદાંત જેવું છે.
15 તેના પગ શુદ્ધ સુવર્ણના
પાયા પર ઊભા કરેલા આરસપહાણના સ્તંભો જેવા છે,
તે લબાનોનના ઊમદા દેવદાર
વૃક્ષો જેવો ઊંચો ઊભો રહે છે.
16 તેનું મુખ અતિ મધુર
અને મનોહર છે,
હે યરૂશાલેમની યુવતીઓ,
આવો છે મારો પ્રીતમ ને મારો મિત્ર.