38
યહોવાએ આપેલો જવાબ
1 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,
2 “મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર
આ વ્યકિત કોણ છે?”
3 તારી કમર બાંધ; કારણકે હું તને પૂછીશ,
અને તું મને જવાબ આપીશ, જવાબ આપવાનો તારો વારો છે.
4 “જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો?
તું બહુ સમજે છે તો એ તો કહે કે
5 પૃથ્વીને ઘડવા માટે એનાં તોલમાપ કોણે નક્કી કર્યા હતાં?
દુનિયાને એક માપરેખાથી કોણે માપી હતી?
6 એના મજબૂત પાયાં શાના ઉપર નાંખવામાં આવ્યા છે?
તેની જગ્યામાં પહેલો પથ્થર કોણે મૂક્યો?
7 પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું
અને દેવદૂતોએ જ્યારે તે થઇ ગયું ત્યારે આનંદથી બૂમો પાડી!
8 “સમુદ્રને પૃથ્વીના ઊંડાણમાંથી ધસી આવતા
રોકવા દરવાજાઓ કોણે બંધ કર્યા હતા?
9 વાદળાં અને ગાઢ અંધકારરૂપી
વસ્રો મેં તેને પહેરાવ્યેં.
10 મે તેની બાજુઓની હદ બનાવી
અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી.
11 મે સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી ગતિ કરજે, અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ.
તારા પ્રચંડ મોજા અહીં અટકી જશે.’
12 “શું આ પ્રભાત થાય છે, તે તમારા આદેશથી થાય છે?
સવારે સૂર્યના કિરણોએ કઇં દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?
13 અયૂબ, તે ક્યારે પણ પ્રભાતના પ્રકાશને પૃથ્વીને ઝૂંટવી લઇને
દુષ્ટ લોકોને તેઓની સંતાવાના સ્થાનેથી જાવી નાખવાનું કહ્યું છે?
14 પ્રભાતનો પ્રકાશ ટેકરીઓ અને ખીણોને ષ્ટિ ગોચર કરે છે.
જ્યારે દિવસનો પ્રકાશ પૃથ્વી પર પડે છે,
ત્યારે તે જગ્યાઓની આકૃતિ,
કપડાની ઘડીની જેમ બહાર દેખાય છે.
તે સ્થળો પોચી માટી પર છાપ વડે
પડેલી છાપ જેવો આકાર લે છે.
15 દુષ્ટ લોકોને દિવસનો પ્રકાશ ગમતો નથી.
જ્યારે તે તેજથી પ્રકાશે છે, તે તેઓને તેઓના દુષ્કમોર્ની યોજના કરતા રોકે છે.
16 “અયૂબ, તું કદી સમુદ્રના ઉદ્ગમસ્થાનના ઊંડાણમાં ગયો છે ખરો?
તું ક્યારેય મહાસાગરની સપાટી પર ચાલ્યો છે?
17 શું તે કદી મૃત્યુના દ્વાર જોયા છે?
તમે કદી મૃત્યુની અંધારી જગાના દ્વાર જોયા છે?
18 તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે.
આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે!
19 “પ્રકાશનું ઉદગમસ્થાન ક્યાં છે?
અંધકારની જગા ક્યાં છે?
મને જણાવ.
20 તમે પ્રકાશ અને અંધકારને તે જે સ્થાનેથી આવ્યા હતા,
ત્યાં પાછા લઇ જઇ શકો છો?
તમે તેના ઉદ્ભવસ્થાને જઇ શકો છો?
21 આ બધું તો તું જાણે છે, કારણકે ત્યારે તારો જન્મ થઇ ચૂક્યો હતો ને!
અને તું તો ઘણો અનુભવી વૃદ્ધ ખરું ને?
22 બરફના તથા કરાઁ ભંડારોમાં બેઠો છે?
તથા સંગ્રહસ્થાન છે, શું તેઁ જોયાં છે?
23 મેં બરફ અને કરાઁની જગાઓને આફતના સમય
અને લડાઇ અને યુદ્ધના સમય માટે બચાવી રાખી છે.
24 તમે કદી જ્યાં સૂર્ય ઊગે છે, જ્યાં તે પૂર્વ તરફના પવનને
આખી પૃથ્વી પર ફૂંકાવે છે તે સ્થળે ગયા છો?
25 વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે?
ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
26 જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો એવી સૂકી
અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસે છે.
27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે,
તે માટે ત્યાં વરસાદ કોણ મોકલે છે?
28 શું વરસાદનો કોઇ જનક છે?
ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
29 કોના ગર્ભમાંથી હિમ ને
કોણ જન્મ આપે છે?
30 પાણી તો પથ્થરના ચોસલા જેવું થઇ જાય છે,
અને મહાસગાર પણ થીજી જાય છે.
31 “આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે?
શું તું કૃતિકા અથવા મૃગશીર્ષના બંધ નક્ષત્રોને છોડી શકે છે?
32 શું તું રાશિઓને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે?
શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?
33 શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે?
શું તું તેઓને પૃથ્વી પર શાસન કરાવી શકે છે?
34 “શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો?
જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો?
35 શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો?
એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’
તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે?
36 “અયૂબ, વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે?
અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે?
37 બધાં વાદળોની ગણતરી કરી શકે અથવા પાણી ભરેલી
આકાશની મશકો રેડી શકે એવો પર્યાપ્ત વિદ્વાન કોઇ છે?
38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ
અને ઢેફાં પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે.
39 “શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો?
શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?
40 એટલે જ્યારે તેઓ તેમની બોડમાં લપાઇને બેઠા હોય ત્યારે
અથવા ઝાડીમાં સંતાઇને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?
41 જ્યારે કાગડીનાં બચ્ચાં તેઓના માળામાં ભૂખે ટળવળતાં હોય
અને દેવને પોકારતાં હોય ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?