26
મંદિર પર યમિર્યાનો બોધ
યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યની શરૂઆતમાં યહોવાએ યમિર્યાને આ પ્રમાણે કહ્યું, “આ યહોવાના વચન છે: મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને, યહૂદિયાના ગામોમાંથી જે લોકો મંદિરમાં ઉપાસના કરવા આવે છે, તે બધાને મેં તને જે કહેવા કહ્યું છે તે એક પણ શબ્દ ભૂલ્યા વગર કહેજે. કારણ કે કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માગોર્થી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે સર્વ શિક્ષા હું તેઓ પર રેડી દેવાને તૈયાર છું. તે હું તેઓ પર ન મોકલું. વળી યહોવાએ મને કહ્યું, ‘તું એમને કહેજે, આ યહોવાના વચન છે. જો તમે મારું કહ્યું નહિ કરો, અને તમારા માટે ઠરાવેલ નિયમશાસ્ત્રનું પાલન નહિ કરો, તથા મેં વારંવાર મોકલેલા મારા જે સેવકો, પ્રબોધકોને તમે કદી સાંભળ્યા નથી. તેમનાં વચનો નહિ સાંભળો. તો આ મંદિરના હું શીલોહ જેવા હાલ કરીશ અને દુનિયાની પ્રત્યેક પ્રજામાં યરૂશાલેમને હું શાપરૂપ કહીશ.’ ”
યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યમિર્યાને યહોવાના મંદિરમાં આ બધા વચનો કહેતા સાંભળ્યો. યહોવાએ તેને જે પ્રમાણે હુકમ કર્યો હતો તે મુજબ કહેવાનું યમિર્યાએ જ્યારે પૂરૂં કર્યુ કે તરતજ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું હમણા જે બોલ્યો છે તેના કારણે તું મૃત્યુ પામીશ. તેં શા માટે યહોવાના નામે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે, આ મંદિરની હાલત શીલોહ જેવી થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઇ જશે?” બધા લોકો યહોવાના મંદિરમાં યમિર્યાને ઘેરી વળ્યા.
10 આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજમહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાના મંદિરના નવા પ્રવેશદ્વાર આગળ ગોઠવાઇ ગયા. 11 પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓ અને લોકોને સંબોધીને કહ્યું, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઇએ, કારણ, તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે તે તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે.”
12 ત્યારે યમિર્યાએ પોતાના બચાવમાં કહ્યું, “આ નગર તથા મંદિરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારવા માટે યહોવાએ મને મોકલ્યો છે. મેં જે કહ્યું છે તેનો પ્રત્યેક શબ્દ તેમણે મને આપ્યો છે. 13 માટે હવે તમારાં આચરણ અને કમોર્ સુધારો અને તમારા દેવ યહોવાનું કહ્યું સાંભળો, તો કદાચ તે તમારા પર જે આફત ઉતારવાની પોતે ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળે. 14 જ્યાં સુધી આ બાબત મને લાગુ પડે છે, હું તો તમારા હાથમાં છુ. તમને જે યોગ્ય અને તાકિર્ક લાગે તે મને કરો. 15 પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ શહેર અને એના બધા વતનીઓ એક નિદોર્ષ માણસના પ્રાણ લીધાના અપરાધી ઠરશો. કારણ યહોવાએ મને ખરેખર આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”
16 ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. એણે આપણા દેવ યહોવાને નામે આપણને સંભળાવ્યું છે.”
17 પછી દેશના કેટલાક વડીલો અને જ્ઞાની માણસો ઊભા થયા અને આજુબાજુ ઊભા રહેલા સર્વ લોકોને સંબોધીને કહ્યું, 18 “યહૂદિયાના રાજા હિઝિક્યાના વખતમાં મોરાશ્તી મીખાહ દેવી વાણી ભાખતો હતો અને તેણે યહૂદિયાના બધા લોકોને આ પ્રમાણે કહ્યું હતું.
 
‘સૈન્યોના દેવ યહોવાના વચન છે,
સિયોન ખેતરની જેમ ખેડાઇ જશે,
યરૂશાલેમ ખંડેરનો ઢગલો થઇ જશે,
અને હાલમાં જે જગ્યાએ મંદિર આવેલું છે
ત્યાં જંગલ ઊગી નીકળશે!’ Micah 3:12
 
19 “શું યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધાં લોકોએ આ માટે મીખાહને મારી નાખ્યો હતો? તેને બદલે, હિઝિક્યાએ યહોવાનો ડર રાખીને તેની પાસે માફી નહોતી માગી? આને કારણે યહોવાએ તેમના પર જે આફત ઉતારવાની ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળ્યું. આ રીતે તો આપણે જ આપણા પર મોટી આફત નોતરીશું.”
20 વળી શમાયાનો પુત્ર ઊરિયા કિર્યાથ-યઆરીમનો વતની હતો અને યહોવાનો બીજો સાચો પ્રબોધક હતો. યમિર્યાના સમયમાં તે પણ આ નગર તથા દેશની વિરુદ્ધ ભવિષ્યવચન કહેતો હતો. 21 રાજા યહોયાકીમે પોતાના બધા અમલદારો અને અંગરક્ષકો સહિત તેણે જે કહ્યું તે સાંભળ્યું હતું. અને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે ઊરિયાને એની ખબર પડી ત્યારે ભયભીત થઇ મિસર ભાગી ગયો. 22 ત્યારે યહોયાકીમ રાજાએ ઊરિયાને બંદીવાન કરવા માટે આખ્બોરના પુત્ર એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા. 23 તેઓ તેને બંદીવાન બનાવીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઇ આવ્યા, ત્યારે રાજાએ તેનો તરવારથી વધ કરાવ્યો, અને તેના મૃતદેહને હલકા લોકોના કબ્રસ્તાનમાં દાટયો.
24 પરંતુ શાફાનના પુત્ર અને રાજવી મંત્રી અહીકામે યમિર્યાનો પક્ષ લીધો અને ન્યાયસભાને સમજાવ્યું કે યાજકો, પ્રબોધકો, લોકોના હાથમાં યમિર્યાને સોંપવો નહિ, કે તેઓ તેને મારી નાખે.