40
નવા મંદિરનું સર્જન
1 અમારા દેશવટાના પચ્ચીસમે વષેર્ એટલે કે શહેરનો નાશ થયા પછી ચૌદમે વષેર્, વર્ષની શરુઆતમાં, મહિનાના દશમાં દિવસે યહોવાનો હાથ મારી પર આવ્યો અને તે મને ત્યાં લઇ ગયા.
2 સંદર્શનમાં યહોવા મને ઇસ્રાએલ દેશમાં લઇ ગયા અને ઊંચા પર્વત પર મને બેસાડ્યો, ત્યાંથી દક્ષિણે મેં એક નગરમાં હોય તેવા મકાનો જોયા. 3 તે મને તેમની નજીક લઇ ગયા અને મેં પિત્તળની જેમ ચળકતાં એક માણસને જોયો. તેણે માપવા માટેની દોરી અને માપદંડ હાથમાં પકડેલા હતાં, અને તે દરવાજા આગળ ઊભો હતો. 4 તેણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ધારીને જો, અને ધ્યાન દઇને સાંભળ, હું તને જે કઇં બતાવું તેના પર બરાબર ધ્યાન આપ, કારણ, તને એટલા માટે જ અહીં લાવવામાં આવ્યો છે. તું જે જુએ તે બધું ઇસ્રાએલીઓને જણાવજે.”
5 એક મંદિરના વિસ્તારની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં “લાંબો હાથ”* “લાંબો હાથ” આ આંકણી “લાંબા હાથ” પર આધારિત હતી જે યાજકો દ્વારા પવિત્ર બાંદકામમાં વપરાતી હતી. રાબીનીકમાં આને “મૂસાનો હાથ” કહેવાય છે. આ હાથ 20-5/8 અથવા (54:26 ઠ.ત્ર્) અથવા પાંચ વેંત ટૂંકા કયૂબીટની સરખામણીમાં જે ચાર વેંત પહોળાઇ જેટલું હોય છે. વાપરતાં, 6 હાથ લાંબો હતો. અને તેણે દિવાલની પહોળાઇ માપી તે એક દંડ હતી અને દિવાલની ઊંચાઇ એક દંડ હતી.
6 ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે બારસાખનું માપ લીધું તો તે એક દંડ પહોળી. 7 રક્ષકોની ઓરડી એક દંડ લાંબી અને એક દંડ પહોળી હતી. રક્ષક ઓરડીઓની વચ્ચે પાંચ હાથનું અંતર હતું અને મંદિર તરફ જતી અંદરની પરસાળ એક દંડ લાંબી હતી. 8 તેણે દરવાજાની મંદિર તરફની પરસાળ માપી. અને તે એક દંડ લાંબી હતી. 9 તે 8 હાથ લાંબી હતી અને તેના થાંભલા 2 હાથ જાડા હતા, આ ઓસરી મંદિર તરફ જતી હતી. 10 પરસાળની બન્ને બાજુ સરખા માપની ત્રણ ત્રણ ઓરડીઓ હતી અને તેમની વચ્ચેની ભીંતો પણ બધી સરખી જાડાઇની હતી. 11 તે પછી એણે દરવાજાના પ્રવેશ ભાગની લંબાઇ પહોળાઇ માપી, તેની પહોળાઇ 10 હાથ તથા લંબાઇ 13 હાથ હતી. 12 દરેક રક્ષક ઓરડીઓ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. એ ઓરડીઓ દરેક 6 હાથ લાંબી અને છ ઇંચ પહોળી હતી.
13 એ પછી તેણે એક ઓરડીની પાછલી ભીંતથી સામેની ઓરડીની પાછલી ભીત સુધીનું અંતર માપ્યું તો એક દરવાજાથી સામેના દરવાજા સુધી 25 હાથ હતું. 14 ને પછી, તેણે બહારના થાંભલેથી માંડીને દરવાજા પાસેના બીજા થાંભલા સુધી માપ લીધું અને તે 60 હાથ હતું. 15 પરસાળની કુલ લંબાઇ પ્રવેશદ્વારથી ઓસરીના અંદરના છેડા સુધી, 50 હાથ હતી. 16 પરસાળની બંને તરફથી તથા રક્ષક ઓરડીની પરસાળ તરફની બારીઓ સાંકડી થતી જતી હતી. પ્રવેશભાગ તરફની પરસાળ તથા ઓસરીની ભીંતોમાં પણ આ જ પ્રમાણે બારીઓ હતી. અને એ ઓસરી તરફની ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી.
બહારનું મેદાન
17 ત્યાર બાદ તે માણસ મને દરવાજામાં થઇને મંદિરની ફરતે આવેલાં બહારના ચોકમાં લઇ ગયો. તેની બહારની ભીંતને અડીને ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી અને તેની સામેની જગ્યા ફરસબંધીવાળી હતી. 18 એ ફરસબંધી આખા ચોકની ફરતે કરેલી હતી. અંદરના ચોક કરતાં આ બહારનો ચોક થોડો નીચો હતો. 19 થોડે ઊંચે એક દરવાજો હતો, તેમાંથી અંદરના ઓરડામાં જવાતું હતું. પેલા માણસે બે દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તો તે 100 હાથ હતું. ઉત્તર અને પૂર્વ દિશાનું માપ સરખું હતું.
20 ત્યાર બાદ તે માણસે બહારના ચોકમાં જવાનો ઉત્તર તરફનો દરવાજો માપ્યો. 21 આ દરવાજામાં પણ દરેક બાજુએ ત્રણ રક્ષક ઓરડીઓ હતી, આ દરવાજાની રક્ષક ઓરડીઓના, તેમની વચ્ચેની ભીંતના અને પરસાળના માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, દરવાજાની લંબાઇ 50 હાથ હતી, બંને તરફની રક્ષક ઓરડીઓની છત વચ્ચેની પહોળાઇ 25 હાથ હતી. 22 આ દરવાજામાં ત્રણ બારીઓ, ઓસરી અને ખજૂરીવૃક્ષની કોતરણીના પૂર્વના દરવાજાની જેમ હતાં. સાત પગથિયાં ચઢીને આ દરવાજામાં પહોંચાતું હતું. 23 પૂર્વના દરવાજાની જેમ જ ઉત્તરના દરવાજા સામે અંદરના ચોકમાં જવાનો એક દરવાજો હતો. આ બે દરવાજાઓ વચ્ચેનું અંતર 100 હાથ હતું.
24 પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લઇ ગયો, તેણે તેના માપ લીધાં અને તે પણ ઉપર પ્રમાણે પૂર્વના અને ઉત્તરના દરવાજાઓના માપ જેટલા જ હતાં. 25 બીજા દરવાજાઓની માફક આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજો એકંદરે 50 હાથ લાંબો અને 25 હાથ પહોળો હતો. 26 સાત પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું, અને એનો મોટો ખંડ પણ ચોકની સામે જ આવેલો હતો. ઓસરીમાં પડતી ભીંતો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. 27 અહીં પણ અંદરના ચોકમાં જવા માટે એક દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે 100 હાથ થયું.
અંદરનું મેદાન
28 ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઇને અંદરના ચોકમાં લઇ ગયો. તેણે તે દરવાજો માપ્યો તો તે બીજા દરવાજા જેટલો જ થયો. તેની રક્ષક ઓરડીઓ, થાંભલા, પરસાળ અને ઓસરીના માપ બીજા દરવાજાઓ જેટલાં જ હતાં. 29 આ દરવાજાની રક્ષક ઓરડીઓને તથા દરવાજાની પરસાળમાં પણ બારીઓ હતી. બીજા દરવાજાની જેમ આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 30 ચોગરદમ પરસાળ હતી. દરેક 25 હાથ લાંબી અને 5 હાથ પહોળી. 31 માત્ર એક તફાવત હતો કે તેના પ્રવેશદ્વાર સુધી પહોંચવા સાતને બદલે આઠ પગથિયાં હતાં, તેના થાંભલાં પર પણ બીજા થાંભલાની જેમ જ ખજૂરીવૃક્ષની કોતરણી હતી.
32 પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો. 33 તેની રક્ષક ઓરડીઓ, મોટો ખંડ અને એની ભીંતો તથા બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજાની કુલ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 34 મોટો ખંડ બહારના ચોકની સામે આવેલો હતો. રસ્તાની બંને બાજુની ભીતો ઉપર ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. આઠ પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું.
35 પછી તે માણસ મને અંદરના ચોકમાં જવા માટેના ઉત્તર તરફના દરવાજે લઇ ગયો. તેણે તેના માપ લીધાં, તેના માપ પણ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. 36 તેની રક્ષકઓરડીઓ, થાંભલાં, પરસાળ, અને ઓસરી તથા બારીના માપ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 37 તેની પરસાળ બહારના ચોકની સામે હતી અને તેની બંને તરફની ભીંતો ઉપર ખજૂરીવૃક્ષની કોતરણી હતી. દરવાજે પહોંચવા માટે આઠ પગથિયાં હતાં.
દહનાર્પણ ધોવાની ઓરડી
38 બહારના ચોકમાં અંદરના દરવાજાને અડીને એક નાની ઓરડી હતી જેમાં થઇને ઓસરીમાં જવાતું હતું. અહીં દહનાર્પણ માટેના પશુઓને ધોવામાં આવતા હતાં, 39 મોટાં ખંડમાં ચાર મેજ હતાં-દરેક બાજુએ બબ્બે એની ઉપર દહનાર્પણમાં કે પ્રાયશ્ચિતમાં અથવા દોષપ્રક્ષાલનના બલિના પશુઓને વધેરવામાં આવતાં. 40 ખંડની બહાર પણ ચાર મેજ હતાં-ઉત્તરના દરવાજાની બંને બાજુએ બબ્બે. 41 આમ ખંડની અંદર ચાર મેજ હતાં અને બહાર ચાર મેજ હતાં. એટલે કુલ આઠ મેજ હતાં. જેના ઉપર પશુઓને વધેરવામાં આવતાં. 42 ત્યાં બીજી ચાર પથ્થરની મેજ હતી. તે પર વધ કરવા માટેના છરા હતા. દરેક મેજ દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. 43 પરસાળની ભીંતે એક વેંત લાંબી આંકડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.
યાજકોની ઓરડીઓ
44 પછી પેલો માણસ મને અંદરના ચોકમાં લઇ ગયો. ત્યાં ઉત્તરના દરવાજાને અડીને એક ખાસ ઓરડો હતો. જેનું મોઢું દક્ષિણ તરફ હતું. એવો જ એક ઓરડો દક્ષિણના દરવાજે અડીને હતો. અને તેનું મોઢું ઉત્તર તરફ હતું. 45 પેલા માણસે મને કહ્યું, “દક્ષિણના દરવાજા પાસેની ઓરડી મંદિરમાં સેવા કરનાર યાજકો માટે છે. 46 અને દક્ષિણના દરવાજાની ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે. લેવીઓમાંથી માત્ર તેઓ જ યહોવાની સેવા કરવા પાસે જઇ શકે છે.”
47 પછી પેલા માણસે આગળના અંદરના ચોકને માપ્યો. તો તે 100 હાથ લાંબો અને 100 હાથ પહોળો હતો. વેદી મંદિરની સામે ચોકમાં હતી.
મંદિરનો પ્રવેશ- કક્ષ
48 ત્યાર પછી તે મને મંદિરના પ્રવેશદ્વારની પરસાળમાં લઇ ગયો. તેણે એ પરસાળ માપી તો તે 5 હાથ લાંબી અને 5 હાથ પહોળી હતી. દરેક બાજુના દરવાજા 3 હાથ પહોળા હતાં. 49 પરસાળની લંબાઇ 20 હાથ અને પહોળાઇ 11 હાથ હતી. ત્યાં દશ પગથિયાં ચઢીને જવાતું હતું. એના પ્રવેશદ્વારની બંને બાજુએ એક એક થાંભલો હતો.
*40:5: “લાંબો હાથ” આ આંકણી “લાંબા હાથ” પર આધારિત હતી જે યાજકો દ્વારા પવિત્ર બાંદકામમાં વપરાતી હતી. રાબીનીકમાં આને “મૂસાનો હાથ” કહેવાય છે. આ હાથ 20-5/8 અથવા (54:26 ઠ.ત્ર્) અથવા પાંચ વેંત ટૂંકા કયૂબીટની સરખામણીમાં જે ચાર વેંત પહોળાઇ જેટલું હોય છે.