31
આશ્શૂર એક કેદાર વૃક્ષની જેમ છે
1 યહોયાકીન રાજાને બંદીવાન થયાને અગિયારમે વષેર્ ત્રીજા માસની મધ્યમાં યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: 2 “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના સર્વ લોકોને તું કહે:
“ ‘તારા જેવો મહાન
અને વૈભવી બીજો કોણ છે?
3 તું બાબિલના સુંદર ઘટાદાર શાખાઓવાળા કેદારવૃક્ષ સમો છે.
તારો છાંયો ખૂબ વિશાળ છે અને તું એટલો ઉંચો છે કે
તું વાદળાને અડકે છે.
4 વરસાદના પાણીથી તેને પોષણ મળ્યું છે.
પાતાળપાણી પીને એ ઊંચું વધ્યું છે.
તેના રોપાઓની આસપાસ
નદીઓ વહેતી હતી;
અને તેના વહેણાંથી વનમાંના
સર્વ વૃક્ષોને પાણી મળતું હતું.
5 પુષ્કળ પાણીને લીધે જંગલના બીજા
સર્વ વૃક્ષો કરતાં તે ઊંચું થયું
અને તેની ડાળીઓ ભરાવદાર
અને પુષ્કળ થઇ.
6 દરેક જાતના પંખીઓએ
તેમાં માળા બાંધ્યા,
એની છાયામાં બધાં જંગલી પશુઓએ
બચ્ચાંને જન્મ આપ્યાં
અને અસંખ્ય પ્રજાઓએ
એની છાયામાં વિશ્રામ કર્યો.
7 એ વૃક્ષ સુંદર અને મજબૂત હતું.
અને તેની ડાળીઓ વિસ્તરેલી હતી,
કારણ કે તેનાં મૂળ પાણી
સુધી ઊંડા પહોંચેલા હતા.
8 દેવના ઉદ્યાનનું કોઇ પણ દેવદાર વૃક્ષ
તેની બરાબરી કરી શકતું નહોતું, કોઇ પણ સરુના
કે ચિનારના વૃક્ષને એના જેવી શાખા નહોતી,
મેદાનના કોઇ પણ વૃક્ષોને
તેની સુંદરતા સાથે સરખાવી ન શકાય.
દેવના ઉદ્યાનનું કોઇ પણ વૃક્ષ તેની બરોબરી ન કરી શકે.
9 મેં યહોવાએ, તેને ઘટાદાર
અને વિશાળ ડાળીઓ આપીને જે શોભા આપી હતી
તેથી એદેનવાડીના બીજાં
વૃક્ષો તેની ઇર્ષા કરતા.’ ”
10 તેથી હવે હું, યહોવા મારા માલિક, આ પ્રમાણે કહું છું: “એ વૃક્ષ વધતું વધતું વાદળને અડે એટલું ઊંચું થયું, પણ એ જેમ જેમ ઊંચું થતું ગયું તેમ તેમ એનો ગર્વ વધતો ગયો. 11 તેથી મેં તેને પ્રજાઓમાં જે પરાક્રમી રાજા છે તેના હાથમાં સોંપી દીધું છે. તે તેની દુષ્ટતાની તેને યોગ્ય શિક્ષા કરશે. મેં પોતે તેને ફેંકી દીધું છે. 12 પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે. 13 પક્ષીઓ તેના તૂટી ગયેલા થડ પર બેસશે અને વન્ય પશુઓ તેની ડાળીઓ પર સૂઇ જશે.
14 “તેથી કરીને હવે પછી કોઇ પણ વૃક્ષ, તેને ભરપુર પાણી મળ્યું હશે તોયે, એટલું ઊંચું નહિ વધે કે વાદળને અડી શકે. બધાં જ વૃક્ષો ર્મત્ય માનવીની જેમ મરવાને સજાર્યા છે. અને જેઓ ઊંડી ખીણમાં નીચે જાય છે અને જેઓ બીજી દુનિયામાં વસે છે તેમને જઇ મળશે.”
15 યહોવા મારા માલિક કહે છે: “જ્યારે તેનું પતન થયું, અને જ્યારે તે નીચે મૃત્યુની જગ્યાએ (શેઓલ) ઊતરી ગયું ત્યારે મેં સમુદ્રો પાસે તેને માટે શોક પળાવ્યો અને તેઓના પ્રવાહોને રોક્યા. તેથી લબાનોનના સર્વ વૃક્ષો મૂચ્છિર્ત થઇ ગયા. 16 તેના પડવાના અવાજથી પ્રજાઓ ભયભીત થઇને થથરી ગઇ, કારણ કે કબરમાં જનારાઓ સાથે મેં તેને પણ કબરમાં ધકેલી દીધું, એદનવાડીના બીજાં ગવિર્ષ્ઠ વૃક્ષો અને લબાનોનના પસંદગી પામેલા શ્રેષ્ઠ વૃક્ષો તેને પોતાની વચ્ચે કબરમાં જોઇને દિલાસો પામ્યાં. 17 તેની છાયામાં વસતી બધી પ્રજાઓ પણ, પહેલા જેઓ કપાઇ ગયા હતા તેમની વચ્ચે શેઓલમાં પહોંચી જશે.
18 “એ વૃક્ષ એટલે મિસરનો રાજા અને તેની વિશાળ સેના. એદનમાંના વૃક્ષો પણ એટલાં ઊંચા કે ભવ્ય નહોતાં. પણ અત્યારે હવે એદનમાંના વૃક્ષોની જેમ એ કબરમાં પહોંચી જશે.
“અને યુદ્ધમાં ખપી ગયેલા દુષ્ટો સાથે પોઢી જશે.” આ યહોવા મારા માલિકના વચન છે.