2
બાળક મૂસા 
 1 લેવીઓના ઘરનો એક પુરુષ જઈને પોતાની જાતની કન્યાને પરણ્યો હતો.  2 તે સ્ત્રી ગર્ભવતી થતાં તેને પુત્ર અવતર્યો. પુત્ર રૂપાળો હતો તેથી તેણે તે બાળકને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો.  3 પણ પછી તેને સંતાડી રાખવાનું શક્ય ન રહ્યું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો, તેને ડામરથી લીપ્યો જેથી તે તરતો રહે. તેમાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી.  4 પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માંટે તેની બહેનને દૂર ઊભી રાખી. 
 5 હવે પછી એવું બન્યું કે ફારુનની કુવરી નદીમાં સ્નાન કરવા માંટે આવી અને તેની દાસીઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુવરીએ બરુઓમાં પેલો કરંડિયો જોઈને પોતાની દાસીને મોકલીને તે મંગાવી લીધો.  6 પછી તેણે ઉધાડીને જોયું, તો અંદર એક બાળક રડતું હતું, તેથી તેને તેના પર દયા આવી. 
 7 અને તેને કહ્યું, “આ કોઈ હિબ્રૂનું બાળક હોવું જોઈએ. પછી તે બાળકની બહેને ફારુનની દીકરીને કહ્યું, હું જઈને કોઈ હિબ્રૂ ઘાવને બોલાવી લાવું જે બાળકની સાચવણી કરે અને તેના લાલનપાલન કરવા માંટે તમાંરી મદદ કરે?” 
 8 ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.” 
એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી. 
 9 કુવરીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જા અને માંરા વતી તેની સાચવણી કર અને તેને ઘવડાવ. હું તને તે બદલ પગાર આપીશ.” 
તેથી સ્ત્રી તેનું બાળક લઈ ગઈ અને તેની સાચવણી કરી.  10 પછી તે બાળક મોટું થયું એટલે તે તેને ફારુનની કુંવરી આગળ લઈ આવી અને તેણે તેને પુત્રની જેમ રાખ્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢયો હતો, ‘એમ કહીને કુવરીએ પુત્રનું નામ મૂસા રાખ્યું.’ ” 
મૂસાની પોતાના લોકોને મદદ 
 11 મૂસા મોટો થયો. અને એક દિવસ પોતાના લોકો પાસે ગયો. તેણે પોતાના માંણસો પર સખ્ત કામ કરવા માંટે બળજબરી થતા જોઈ. અને તેણે એક મિસરીને એક હિબ્રૂને માંરતા જોયો.  12 તેણે આમતેમ નજર કરી છતાં તેને કોઈ દેખાયું નહિ એટલે તેણે મિસરીને માંરી નાખીને રેતીમાં દાટી દીઘો. 
 13 અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને લડતાં જોયા. તેણે જેનો વાંક હતો તે માંણસને કહ્યું, “શા માંટે તું તારા જાતભાઈને માંરે છે?” 
 14 એટલે તે માંણસે તેને કહ્યું, “તને અમાંરો ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તે જેમ પેલા મિસરીની હત્યા કરી તેમ માંરી હત્યા કરવા માંગે છે?” 
તે સાંભળીને મૂસા ડરી ગયો તેથી વિચાર કરવા લાગ્યો કે, “હવે બધાંને ખબર પડી ગઈ છે કે મેં શું કર્યુ છે.” 
 15 આ વાતની જાણ ફારુનને થતા, તે મૂસાને માંરી નાખવા તૈયાર થયો. પણ મૂસા ફારુનને ત્યાંથી નાસી જઈને મિધાન દેશમાં જઈને વસ્યો. 
મૂસાનું મિધાનમાં આગમન 
એક વખત તે કૂવા પાસે બેઠો હતો  16 ત્યારે મિધાનના યાજકની સાત પુત્રીઓ ત્યાં આવી. અને પોતાના બાપનાં ઘેટાંબકરાને પાણી પીવડાવવા માંટે કૂવામાંથી પાણી ખેંચીને હવાડા ભરવા લાગી.  17 ત્યાં તો ભરવાડો ત્યાં આવ્યા અને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મૂસા તેમની જોડે આવી પહોંચ્ચોં અને તેમનાં ઘેટાંબકરાંને પાણી પાયું. 
 18 જ્યારે તેઓ તેમના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તે બોલ્યા, “આજે તમે આટલાં વહેલાં કેમ આવ્યાં?” 
 19 એટલે તેમણે જવાબ આપ્યો, “અમને એક મિસરીએ ભરવાડોથી બચાવી અને છોડાવી વળી અમને પાણી પણ કાઢી આપ્યું, અને ઘેટાંબકરાંને પાયું.” 
 20 એટલે પછી તેણે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? અને તમે તેને મૂકીને શા માંટે આવ્યાં? જાઓ, તેને જમવા માંટે બોલાવી લાવો.” 
 21 મૂસા તે માંણસ સાથે રહેવા સંમત થયો, અને પોતાની પુત્રી સિપ્પોરાહના લગ્ન મૂસા સાથે તેણે કર્યા.  22 પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મૂસાએ ગેર્શોમ એટલા માંટે પાડયું કે, મૂસા બીજાનાં દેશમાં અજાણ્યો હતો. 
દેવનો ઇસ્રાએલીઓને મદદ કરવાનો નિર્ણય 
 23 હવે ઘણો સમય પસાર થયા પછી મિસરના રાજાનું અવસાન થયું. ઇસ્રાએલીઓ ગુલામીમાં પીડાતા હતા. તેઓ આક્રદ કરીને મદદ માંટે પોકાર કરતા હતા તેથી ગુલામીમાંથી કરેલો એ પોકાર દેવ સુધી પહોંચ્યો.  24 દેવે તેમનું રૂદન અને ઊહંકાર સાંભળ્યો અને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું તેમને સ્મરણ થયું.  25 અને દેવે ઇસ્રાએલીઓની સ્થિતી જોઈ અને તેમને ખબર હતી કે તે વહેલા તેઓની મદદ કરવાના છે.