13
બાર્નાબાસ અને શાઉલનાં વિશિષ્ટ કાર્યો
1 અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો હતા. એટલે બાર્નાબાસ, શિમયોન (જે નિગર તરીકે ઓળખાતો હતો તે), લૂકિયસ (કુરેનીનો), મનાહેમ (જે હેરોદ રાજા સાથે ઉછરીને મોટા થયો હતો) તથા શાઉલ હતા. 2 આ બધા માણસો પ્રભુની સેવા અને ઉપવાસ કરતા હતા. પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલ વિશિષ્ટ કાર્યો કરવા માટે મને આપો. મેં આ કામ કરવા માટે તેઓની પસંદગી કરેલ છે.”
3 તેથી મંડળીએ પ્રાર્થના અને ઉપવાસ કર્યા. તેઓએ તેઓના હાથ બાર્નાબાસ અને શાઉલ પર મૂક્યા અને તેઓને બહાર મોકલ્યા.
સૈપ્રસમાં બાર્નાબસ અને શાઉલ
4 પવિત્ર આત્મા દ્ધારા બાર્નાબાસ અને શાઉલને બહાર મોકલવામાં આવ્યા. તેઓ સલૂકિયાના શહેરમાં ગયા. ત્યાંથી પછી સલૂકિયાથી સૈપ્રસ ટાપુ તરફ વહાણ હંકારી ગયા. 5 જ્યારે બાર્નાબાસ અને શાઉલ સલામિસના શહેરમાં આવ્યા, તેઓએ યહૂદિઓના સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ કર્યુ. (યોહાન માર્ક પણ તેઓની સાથે મદદમાં હતો.)
6 તેઓ આખો ટાપુ ઓળંગીને પાફસના શહેરમાં ગયા. ત્યાં તેઓ એક યહૂદિ માણસને મળ્યા જે જાદુના ખેલ કરતો હતો. તેનું નામ બર્યેશું હતું. તે એક જૂઠો પ્રબોધક હતો. 7 બર્યેશુ હંમેશા સર્ગિયુસ પાઉલની નજીક રહેતો, સર્ગિયુસ પાઉલ એક હાકેમ હતો. અને તે ખૂબ જ શાણો માણસ હતો. તેણે બાર્નાબાસ અને શાઉલને તેની પાસે આવવા કહ્યું. દેવનો સંદેશ સાંભળવાની તેની ઈચ્છા હતી. 8 પરંતુ અલિમાસ જાદુગર, બાર્નાબાસ અને શાઉલની વિરૂદ્ધ હતો. (ગ્રીક ભાષામાં બર્યેશુ માટે અલિમાસ નામ છે.) અલિમાસે હાકેમને ઈસુના વિશ્વાસમાંથી અટકાવવાનો પ્રયત્ન કર્યો. 9 પણ શાઉલ તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. પાઉલે (શાઉલનું બીજું નામ) અલિમાસ (બર્યેશુ) તરફ જોયું. 10 અને કહ્યું, “ઓ, શેતાનના દીકરા! તું જે કંઈ બધું ન્યાયી છે તેનો દુશ્મન છે. તું દુષ્ટ યુક્તિઓ અને જૂઠાણાંથી ભરપૂર છે. તું હંમેશા દેવના સત્યને અસત્યમાં ફેરવવા માટે પ્રયત્ન કરે છે. 11 હવે પ્રભુ તને સ્પર્શ કરશે અને તું આંધળો થઈશ. કેટલાક સમય માટે તું કંઈ જોઈ શકીશ નહિ-સૂર્યનો પ્રકાશ પણ નહિ.”
પછી અલિમાસ માટે બધુંજ અંધકારમય બની ગયું. તે આજુબાજુ ચાલતા ભૂલો પડી ગયો. તે કોઈકને શોધવાનો પ્રયત્ન કરતો હતો, જે તેનો હાથ પકડીને દોરી શકે. 12 જ્યારે હાકેમે આ જોયું ત્યારે પ્રભુના બોધથી તે આશ્ચર્યચકિત થઈ ગયો.
પાઉલ અને બાર્નાબાસનું સૈપ્રસ છોડવું
13 પાઉલ અને તેની સાથે જે લોકો હતા તેઓ પાફસથી દૂર હોડી હંકારી ગયા. તેઓ પર્ગે નામના પમ્ફલિયા શહેરમાં આવ્યા. યોહાન માર્ક તેઓને છોડીને યરૂશાલેમમાં પાછો ફર્યો. 14 તેઓએ પર્ગેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પિસીદિયાના નજીકના શહેર અંત્યોખમાં આવ્યા.
અંત્યોખમાં તેઓ વિશ્રામવારે યહૂદિઓના સભાસ્થાનમાં જઈને બેઠા. 15 મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકનાં લખાણો વંચાયા. પછી સભાસ્થાનના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને સંદેશો મોકલ્યો, “ભાઈઓ, જો તમારી પાસે અહી લોકો માટે બોધરૂપી સંદેશ હોય તો, મહેરબાની કરીને બોલો!”
16 પાઉલ ઊભો થયો. તેણે તેનો હાથ ઊચો કર્યો અને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ અને બીજા લોકો તમે જે સાચા દેવની ભક્તિ કરો છો, કૃપા કરીને મને સાંભળો! 17 ઈસ્ત્રાએલના દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા છે. તેઓ મિસર દેશમાં અજ્ઞાત રીતે રહેતા હતા, ત્યારે તે સમય દરમ્યાન દેવે તેના લોકોને સફળ થવામાં મદદ કરી. દેવ તેઓને તે દેશમાંથી વધારે સાર્મથ્યથી બહાર લાવ્યો. 18 અને 40 વરસ સુધી દેવે રણમાં તેઓનું વર્તન ધીરજપૂર્વક સહન કર્યું. 19 દેવે કનાનની ભૂમિનાં સાત રાષ્ટ્રોનો વિનાશ કર્યો. 20 આ બધું લગભગ 450 વર્ષમાં બન્યું.
“આ પછી, દેવે આપણા લોકોને શમુએલ પ્રબોધકના સમય સુધી ન્યાયાધીશો આપ્યા. 21 પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો. 22 પછી દેવે શાઉલને દૂર કરીને દાઉદને રાજા બનાવ્યો. દેવે દાઉદ વિષે જે કહ્યું તે આ છે, ‘દાઉદ, એ યશાઇનો દીકરો કે જે તેના વિચારોમાં મારા જેવો છે. હું તેની પાસે જે કરાવવા ઇચ્છું છું તે બધુંજ તે કરશે.’
23 “દેવે દાઉદના વંશમાંથી એકને ઈસ્રાએલનો તારનાર તરીકે ઊભો કર્યો. તે વંશજ ઈસુ છે. દેવે આ કરવાનું વચન આપ્યું. 24 ઈસુના આગમન પહેલા, યોહાને બધા યહૂદિ લોકોને બોધ આપ્યો. તેઓ પુસ્તાવો ઈચ્છે છે તે બતાવવા માટે યોહાને તે લોકોને બાપ્તિસ્મા લેવા કહ્યું. 25 જ્યારે યોહાન તેનું કાર્ય પુરું કરતો હતો, ત્યારે તેણે કહ્યું, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે ખ્રિસ્ત નથી. તે મોડેથી આવશે. હું તો તેના જોડા છોડવાને પણ યોગ્ય નથી.’
26 “મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજોના દીકરાઓ અને તમે બિનયહૂદિઓ કે જેઓ સાચા દેવને ભજો છો, ધ્યાનથી સાંભળો! આ તારણ વિષેના સમાચાર અમને મોકલવામાં આવેલ છે. 27 યરૂશાલેમમાં રહેતા યહૂદિઓ અને યહૂદિ અધિકારીઓ ઈસુ તારનાર હતો તેનો અનુભવ કરતા નથી. પ્રબોધકોએ ઈસુ વિષે જે વચન કહ્યા છે તે પ્રત્યેક વિશ્રામવારે યહૂદિઓ સમક્ષ વાંચવામાં આવતા હતાં. પણ તેઓ સમજતા નહોતા. યહૂદિઓએ ઈસુનો તિરસ્કાર કર્યો, આ રીતે તેઓએ પ્રબોધકોના શબ્દોને સાચા બનાવ્યા! 28 ઈસુના મૃત્યુદંડ માટે તેઓને કોઇ ચોક્કસ કારણ જડ્યું નહિ પરંતુ તેઓએ પિલાતને તેને મારી નાખવા કહ્યું.
29 “ઈસુના વિષે થનારા ખરાબ બનાવોના લખાણો મુજબ યહૂદિઓએ સઘળું ખરાબ કર્યુ. પછી તેઓએ ઈસુને વધસ્તંભ પરથી ઉતારીને તેને કબરમાં મૂક્યો. 30 પણ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો! 31 આ પછી ઘણા દિવસો માટે જે લોકો ગાલીલથી યરૂશાલેમ ઈસુ સાથે ગયા હતા, તેઓએ ઈસુને જોયો. તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે.
32 “અમે દેવે અમારા પૂર્વજોને આપેલાં વચન વિષેની વધામણી કહીએ છીએ. 33 અમે તેનાં બાળકો છીએ. અને દેવે આ વચન અમારા માટે પરિપૂર્ણ કર્યુ છે. દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડીને આ કર્યુ છે. આપણે આ વિષે ગીતશાસ્ત્રમાં પણ વાંચીએ છીએ.
‘તુ મારો દીકરો છે,
આજે હું તારો પિતા થયો છું.’ ગીતશાસ્ત્ર: 2:7
34 દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો છે. ઈસુ ફરીથી કબરમાં કદાપિ જશે નહિ અને ધૂળમાં ફેરવાશે નહિ. તેથી દેવે કહ્યું:
‘હું તને સાચા અને પવિત્ર વચનો (આશીર્વાદો) આપીશ જે મેં દાઉદને આપ્યાં હતા.’ યશાયા 55:3
35 પણ બીજી એક જગ્યાએ દેવ કહે છે:
‘તું તારા પવિત્રનાં શરીરને કબરમાં સડવા દઇશ નહિ.’ ગીતશાસ્ત્ર 16:10
36 “દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે તેણે દેવની ઈચ્છા પ્રમાણે કર્યુ. પછી તે મૃત્યુ પામ્યો. દાઉદને તેના પૂર્વજોની સાથે દાટવામાં આવ્યો અને કબરમાં તેના શરીરને સડો લાગ્યો. 37 પણ એક જેને દેવે મૃત્યુમાંથી ઉઠાડ્યો તેનું કબરમાં કોહવાણ થયું નહિ. 38-39 ભાઈઓ, અમે તમારી આગળ જે પ્રગટ કરીએ છીએ, તે તમારે સમજવું જોઈએ કે તેના દ્ધારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. તેના (ઈસુ) મારફત પ્રત્યેક વ્યક્તિ જે વિશ્વાસીઓ છે તેને બધામાંથી મુક્તિ મળશે. જેમાં મૂસાનો નિયમ પણ તમને મુક્ત કરી શકે તેમ નથી. પ્રત્યેક વિશ્વાસ કરનાર ઈસુ દ્ધારા ન્યાયી ઠરે છે. 40 ધ્યાનથી સાંભળો! રખેને પ્રબોધકોના લેખમાંનુ આ વચન તમારા પર આવી પડે કે:
41 ‘ઓ તિરસ્કાર કરનારાઓ!
સાંભળો, તમે આશ્ચર્ય પામશો, અને નાશ પામશો;
કારણ કે તમારા સમય દરમ્યાન
હું (દેવ) કંઈક કરીશ જે તમે માનશો નહિ.
કદાચ જો કોઇ તમને તે સમજાવે તો પણ તમે તે માનશો નહિ!’ ” હબાકકુક 1:5
42 જ્યારે પાઉલ અને બાર્નાબાસ સભાસ્થાન છોડતા હતા, લોકોએ પાઉલ અને બાર્નાબાસને આ પછીના બીજા વિશ્રામવારે આ વિષે વધારે કહેવા માટે ફરીથી આવવા કહ્યું. 43 સભા વિસર્જન થયા પછી, યહૂદિઓ અને ઘણા લોકો જે યહૂદિધર્મમાં પરિવર્તન થયા હતા અને સાચા દેવની ભક્તિ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસને અનુસર્યા. પાઉલ અને બાર્નાબાસે તેઓને વાત કરી અને દેવની કૃપામાં ચાલુ રહેવા સમજાવ્યા.
44 બીજા વિશ્રામવારે, લગભગ શહેરના બધા જ લોકો પ્રભુનો બોધ સાંભળવા ભેગા મળ્યા. 45 યહૂદિઓએ આ બધા લોકોને ત્યાં જોયા. તેથી યહૂદિઓને વધારે ઈર્ષા થઈ. તેઓએ થોડાક અપશબ્દો કહ્યા. અને પાઉલે જે કહ્યું હતું તેના વિરોધમાં દલીલો કરી. 46 પણ પાઉલ તથા બાર્નાબાસે ઘણી હિંમત રાખીને કહ્યું, તેઓએ કહ્યું, “અમારે પ્રથમ તમને યહૂદિઓને દેવના વચનો કહેવા જોઈએ. પણ તમે ધ્યાનથી સાંભળવાની ના પાડી. તમે તમારી જાતે ખોવાઇ જાઓ છો, અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો! તેથી અમે હવે બીજા રાષ્ટ્રોના લોકો પાસે જઈશું. 47 પ્રભુ એ આપણને જે કરવાનું કહ્યું છે તે આ છે. પ્રભુએ કહ્યું છે:
‘મેં તમને બીજા રાષ્ટ્રો માટેનો પ્રકાશ થવા બનાવ્યા છે,
જેથી કરીને તમે આખા વિશ્વમાં લોકોને તારણનો માર્ગ બતાવી શકશો.’ ” યશાયા 49:6
48 જ્યારે બિનયહૂદિઓએ પાઉલને આમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને લોકોમાંના ઘણાએ વિશ્વાસ કર્યો. તે લોકોની પસંદગી અનંતજીવન માટે કરવામાં આવી હતી.
49 અને તેથી આખા દેશમાં પ્રભુનો સંદેશ કહેવામાં આવ્યો હતો. 50 પરંતુ યહૂદિઓએ ધાર્મિક તથા કુલીન સ્ત્રીઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરણી કરીને પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી. પરિણામે આ લોકોએ પાઉલ અને બાર્નાબાસને શહેરની બહાર હાંકી કાઢ્યા. 51 તેથી પાઉલ અને બાર્નાબાસે તેમનાં પગોની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓ ઈકોનિયા શહેરમાં ગયા. 52 પરંતુ અંત્યોખમાં ઈસુના શિષ્યો ખુશ હતા અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.