ખાદ્યાર્પણ
2
1 જો કોઈ વ્યક્તિ યહોવા દેવને ખાદ્યાર્પણ ચઢાવવા ઈચ્છે, તો તેણે મેંદાનો લોટ લાવવો અને તેમાં તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો.
2 પછી તેણે એ હારુનના પુત્રો – યાજકો સમક્ષ લાવવું. પછી એક યાજક તેમાંથી એક મૂઠી લોટ, તેલ અને બધો લોબાન લઈને તેને પ્રતીકરૂપે વેદી પર હોમે. આ ખાદ્યાર્પણ અગ્નિ દ્વારા થાય છે તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
3 ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોને મળે છે. તે અત્યંત પવિત્ર છે. કારણ કે યહોવાને ધરાવેલા દાણાના અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.
ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ
4 “જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય.
5 જો તમે તમાંરું ખાદ્યાર્પણ કડાઈમાં રાંધેલું લાવો, તો તે પણ તેલથી મોયેલા મેંદાનું જ બનાવેલું અને ખમીરવાળુ હોય.
6 તેના ટુકડા કરીને તેના પર તેલ રેડવું; એ ખાદ્યાર્પણ છે.
7 જો કોઈનું ખાદ્યાર્પણ તવા પર શેકેલું હોય તો તે તેલનું મોણ નાખેલા મેંદાનું બનાવેલું હોય.
8 “આ રીતે શેકેલું, તળેલું આ ખાદ્યાર્પણ યાજક પાસે લાવવું અને તે તેને વેદી પર યહોવા સમક્ષ અર્પણ કરવું.
9 અને પછી યાજક તેમાંથી પ્રતીકરૂપે થોડો ભાગ લઈ ખાદ્યાર્પણ તરીકે વેદીમાંના અગ્નિમાં હોમશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
10 ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોનો ગણાય. એ અત્યંત પવિત્ર છે, કારણ, યહોવાને ધરાવેલા હોમયજ્ઞમાંથી એ ગ્રહણ કરવામાં આવેલ છે.
11 “યહોવાને અર્પણ કરવાના કોઈ પણ પ્રકારના ખાદ્યાર્પણમાં આથો ન વાપરવો, અર્થાત ખમીરનો ઉપયોગ કરવો નહિ. કોઈ પણ વ્યક્તિએ દહનાર્પણમાં ખમીર કે મધનો ઉપયોગ કરવો નહિ, કારણ કે તેની છૂટ નથી.
12 કોઈ પણ વ્યક્તિ તે વસ્તુઓ ખમીર અને મધ પાકના પ્રથમ ભાગ તરીકે એ ધરાવી શકે પરંતુ તે વસ્તુઓ આહુતિ તરીકે વેદીમાં મીઠો ધુમાંડો બને એ રીતે હોમવી નહિ.
13 પરંતુ તમાંરે તમાંમ પ્રકારની ખાદ્યાર્પણમાં મીઠું નાખવું. તમાંરા ખાદ્યાર્પણ પર દેવનો અતૂટ કરાર છે, તેથી તેના પ્રતીકરૂપ મીઠું નાખવાનું કદી ભૂલવું નહિ. બધાજ અર્પણોમાં મીઠું ઉમરેવું અને ચઢાવવું.
પ્રથમ ફળનું ખાદ્યાર્પણ
14 “જો કોઈ વ્યક્તિ પાકના પ્રથમ ભાગ તરીકે અનાજ ખાદ્યાર્પણ તરીકે ચઢાવે તો તેણે તાજાં કણસલાંના પોંકરૂપે અથવા દળેલા લોટરૂપે ચઢાવે.
15 ખાદ્યાર્પણનાં પર તેલ રેડવું અને ઉપર લોબાન મૂકવો, એ ખાદ્યાર્પણ છે.
16 યાજક પ્રતીકરૂપે તેમાંથી થોડો લોટ અને તેલ તથા બધો લોબાન લઈ યહોવાને ખાદ્યાર્પણ તરીકે વેદીની અગ્નિમાં હોમવો.”